Akshardham Garbo (Bhuj Garbo) Gujarati Lyrics
રાગ : ગરબો
અક્ષરધામથી આવીયા, સહજાનંદ સુખધામ પ્રગટ્યા પુરવમાં;દુર્વાસાના શ્રાપથી, નરનારાયણ નામ. પ્રગટ્યા. ૧
અવધપુરીની પાસમાં, ગુણનિધિ છપૈયા ગામ; પ્રગટ્યા. ધર્મ થકી ભક્તિ વિષે, સુંદર છબી ઘનશ્યામ. પ્રગટ્યા. ૨
અઢારસો સાડત્રીસના, મનોહર ચૈત્ર માસ; પ્રગટ્યા. શુકલ પક્ષ નૌમી દિને, જન્મ્યા જક્ત નિવાસ. પ્રગટ્યા. ૩
જય જ્ય વાણી ઓચરે, બ્રહ્મા ભવસુરરાય; પ્રગટ્યા. ગાંધર્વ ગાવે અપ્સરા, પુષ્પની વૃષ્ટિ થાય. પ્રગટ્યા. ૪
ગગન મગન ગજ ગામની, ભામની કરીને ભાવ; પ્રગટ્યા. આશિશ વાણી ઓચરે, નિરખી નૌતમ નાવ. પ્રગટ્યા. ૫
કોકીલ વરણી કામની, દામની સરખી દેહ; પ્રગટ્યા. કર કંચન થાળી ભરી, ગાવે ગીત સ્નેહ. પ્રગટ્યા. ૬
આનંદ ઉત્સવ થાય છે, ગાય છે સુંદર ગીત; પ્રગટ્યા. મુખ જોઈ માવા તણું, સૌને વાધે પ્રીત. પ્રગટ્યા. ૭
દુંદુભી વાગે અતિ ઘણાં, શરણાઈઓનો શોર; પ્રગટ્યા. ભુસુર ભાવેથી ભણે, જીવો ધર્મકિશોર. પ્રગટ્યા. ८
માત પિતા જોઈ મુરતી, અંતર હેત અપાર; પ્રગટ્યા. લાડ લડાવે લાલને, જાણી જગ આધાર. પ્રગટ્યા. ૯
દિન દિન વધતા જાય છે, બાલ શશી અનુસાર; પ્રગટ્યા. સુખ આપે સૌને હરિ, દેખી જગદાધાર. પ્રગટ્યા. ૧૦
છઠ્ઠે દિને આવિયા, મારવા ગ્રહ વિકરાળ; પ્રગટ્યા. વામ નયણ કરી વાલમે, નાશ કર્યો તત્કાળ. પ્રગટ્યા. ૧૧
પ્રબળ પ્રતાપી જોઈને, પ્રેમવતી નિજ માત; પ્રગટ્યા. પુરૂષોત્તમ સુત જાણીઆ, જન્મ્યા જગ વિખ્યાત. પ્રગટ્યા. ૧૨
નામકરણને કારણે, આવ્યા મુનિ મારકંડ; પ્રગટ્યા. કૃષ્ણ હરિ હરિકૃષ્ણ તે, પાડ્યાં નામ પ્રચંડ. પ્રગટ્યા. ૧૩
નિત નિત લીલા બહુ કરે, બાલ લાવ અનુસાર; પ્રગટ્યા. શેષાદિક કેતાં થાકે, પામે નહીં કોઈ પાર. પ્રગટ્યા. ૧૪
પુર બાલક લઈ પ્રેમથી, નારાયણસરે નાય; પ્રગટ્યા. ખેલ કરે ખાંતે કરી, મહિમા મુનિવર ગાય. પ્રગટ્યા. ૧૫
ત્રીજે વરસે આવીયો, કાલીદત્ત કઠોર; પ્રગટ્યા. મોહ પમાડી મારીઓ, તેને ધર્મકિશોર. પ્રગટ્યા. ૧૬
એ આદિક લીલા બહુ, કરતા બાળક રીત; પ્રગટ્યા. દર્શન કરવા દેવતા, આવે જાવે નિત. પ્રગટ્યા. ૧૭
ધન્ય ધન્ય છપૈયા ધામને, જનમ ધર્યો જગદેવ; પ્રગટ્યા. પાર વેદ પામે નહી, મહીમા કહે મહાદેવ. પ્રગટ્યા. ૧૮
આઠમે વરસે પામીયા, ઉત્તમ ઉપવિત સાર; પ્રગટ્યા. દૃઢ નૈષ્ટિકવ્રત ધારીયું, તારવા જીવ અપાર. પ્રગટ્યા. ૧૯
બાલ ક્રિયા બહુ નામીએ, તજી દીધી તત્કાળ; પ્રગટ્યા. નિરવેદી થયા નાથજી, જગથી જન પ્રતિપાળ. પ્રગટ્યા. ૨૦
માત પિતાને આપીને, નીજ સ્વરૂપનું જ્ઞાન; પ્રગટ્યા. ભૌતિક ભાન ભુલાવીને, રાખ્યાં પાસ નિદાન. પ્રગટ્યા. ૨૧
વરસ એકાદશે વાલમે, કીધો ઘરનો ત્યાગ; પ્રગટ્યા. ડંડ કમંડળ હાથમાં, કટીપર કટીનો બંધ; પ્રગટ્યા. ૨૨
કોપીન યુતપટ ધારીયું, તારવા નર-ત્રીઆ અધ. પ્રગટ્યા. જલગરણું જગનાથજી, રાખ્યું પોતા પાસ; પ્રગટ્યા. ૨૩
માળા તુલસીની બેવડી, હરિએ પહેરી હુલ્લાસ પ્રગટ્યા. ધર્મનંદન મૃગચર્મને, ધાર્યું હેત વધાર; પ્રગટ્યા. २४
ચાર સારનો ગુટકો, રાખ્યો પાસ ઉદાર, પ્રગટ્યા. વિષ્ણુ બાલ મુકુંદનો, બટવો કંઠ પ્રદેશ; પ્રગટ્યા. ૨૫
ધાર્યો દ્રઢ કરી શ્રીહરિ, માથે કુંચીત કેશ. પ્રગટ્યા. મહાવનમાં ચાલ્યા એકલા, પામી મહાવૈરાગ. પ્રગટ્યા. ૨૬
ઉપવિત શ્વેત ઓપી રહ્યું, વામ ખભા પર સાર;પ્રગટ્યા. એવે વેશે ચાલીયા, કરવા જીવ ઉદ્ધાર. પ્રગટ્યા. ૨૭
એકા એકી વિચારે, મહાવન ઘોર મોઝાર; પ્રગટ્યા. મનુષ્ય કોય જાવે નહિ, ત્યાં ફરે ધર્મકુમાર. પ્રગટ્યા. ૨૮
સુરા ગાયું સુરભી, ગજ ગેંડાના વૃંદ; પ્રગટ્યા. સારદુલ સિંહ બિહામણા, વિચરે સહજ સ્વચ્છંદ. પ્રગટ્યા. ૨૯
જ્યાં જ્યાં જીવન વિચરે, ત્યાં મૃગ વૃંદ અપાર; પ્રગટ્યા. ઘેરી વળે ધનશ્યામને, પાસે રહે કરી પ્યાર. પ્રગટ્યા. ૩૦
પશુ પક્ષી અતિ પ્રીતથી, સેવ કરે સુખરુપ; પ્રગટ્યા. જે જેથી જેમ થાય છે, તે તેમ કરે અનુપ. પ્રગટ્યા. ૩૧
તાપ જોઈ તરણી તણો, પક્ષી ગણ કરે છાંય; પ્રગટ્યા. ભૂખ લાગે ભગવાનને, સુરભી ત્યાં પય પાય. પ્રગટ્યા. ૩૨
ગજ ગોવિંદને જોઈને, ફળ લાવે કરી પ્રીત; પ્રગટ્યા. જમાડે જીવન પ્રાણને, ભાવ કરી નીત નીત. પ્રગટ્યા. ૩૩
પશુ પક્ષી સેવા કરે, દેખી દીન દયાળ; પ્રગટ્યા. મનષ્ય કરે તેમાં શું કહું, એવા જન પ્રતિ પાળ. પ્રગટ્યા. ૩૪
જલચર થલચર જીવને, આપતા સુખ અપાર; પ્રગટ્યા. પુલહાશ્રમ પોતે ગયા. તપ કરવા તૈયાર. પ્રગટ્યા. ૩૫
ગંડકી નદીમાં નાહીને, ત્રણ વખત જગત્રાત; પ્રગટ્યા. ઉગ્ર તીયાં તપ આદર્યું, બહુ નામી બળભ્રાત. પ્રગટ્યા. ૩૬
અતિશે તપ જ્યારે કર્યું, આવ્યા અર્ક તેવાર; પ્રગટ્યા. પ્રાર્થના કરી પ્રેમથી, જાણી જગઆધાર. પ્રગટ્યા. ૩૭
શા કારણ કરો શ્રીહરિ, તપ તમે શ્યામ શરીર; પ્રગટ્યા. દાસ તમારો દેખીને, આણો મહેર લગીર. પ્રગટ્યા. ૩૮
વચન સુણી માર્તંડનાં, બોલ્યા ધર્મ કુમાર; પ્રગટ્યા. ચિંતા ન કરો ચીત્તમાં, નીજ ઈચ્છિત નિરધાર. પ્રગટ્યા. ૩૯
હું કરું તપ તનને વિષે, દેવાને ઉપદેશ; પ્રગટ્યા. જોગી તપ જ્યારે કરે, જીતે કામ કલેશ. પ્રગટ્યા. ૪૦
ધરપર ધર્મને ધારવા, આજ ધર્યો અવતાર; પ્રગટ્યા. હું જ્યારે તપ આદરું, સૌ કરશે નરનાર. પ્રગટ્યા. ૪૧
વચન સુણી વૃષનંદનાં, અર્ક ગયા નિજસ્થાન; પ્રગટ્યા. તપ પુરણ કરી ચાલીયા, ઉત્તરમાં ભગવાન. પ્રગટ્યા. ૪૨
ખરવટ ખેટ ઉલંઘતાં, હિમાળાની પાસ; પ્રગટ્યા. ઘણા દિવસ ફરી શ્રીહરિ, પુરી મનની આસ. પ્રગટ્યા. ૪૩
દેખી વનમાં એકલા જોગી, નામ ગોપાલ; પ્રગટ્યા. વરસ દિવસ રહી વાલમે, જોગ સાધ્યો તત્કાળ. પ્રગટ્યા. ૪૪
સિદ્ધગતિ તેને આપીને, ચાલ્યા ચંચળ ચિત્ત; પ્રગટ્યા. સિરપુર શહેરમાં આવીયા, પુરુષોત્તમ કરી પ્રીત. પ્રગટ્યા. ૪૫
માન હર્યું ત્યાં સિદ્ધનું, પોતે પ્રબળ પ્રતાપ; પ્રગટ્યા. સિદ્ધવલ્લભને સાધીને, શિષ્ય કર્યો જગવ્યાપ. પ્રગટ્યા. ૪૬
માસ ચાર રહી ચાલીયા, પિબેકવામી પાસ; પ્રગટ્યા. જીતી તેને જગપતિ, કીધો નિજનો દાસ. પ્રગટ્યા. ૪૭
પરવત નવલખો પેખવા, આપ ગયા અવિનાશ; પ્રગટ્યા. નવલાખ યોગીને ભેટીયા, હૈયે કરી હુલાસ. પ્રગટ્યા. ૪૮
ત્યાંથી ચાલ્યા નાથજી, બાલવા નામે કુંડ; પ્રગટ્યા. દર્શન દઈ દયા કરી, માર્યા પાપી ઝુંડ. પ્રગટ્યા. ૪૯
ગંગા સાગર સંગમે, ગયા ગુણભંડાર; પ્રગટ્યા. સ્વસ્નાન કરી ખાડી તરી, દેખ્યા કપિલ ઉદાર. પ્રગટ્યા. ૫૦
પુરુષોત્તમ પુરી પ્રીતથી, પહોંચ્યા પ્રાણ આધાર; પ્રગટ્યા. દશ મહીના રહી દેખીને, ટાળ્યો ભૂમી ભાર. પ્રગટ્યા. ૫૧
દક્ષિણ દેશનાં દેખીયાં, તિરથ અપરંપાર; પ્રગટ્યા. મહી-સાબર રેવા તરી, આવ્યા ગુર્જર પાર. પ્રગટ્યા. પર
ભયહારી ભીમનાથમાં, આપ ગયા અખિલેશ; પ્રગટ્યા. ગુણસાગર ગોપનાથમાં, આવ્યા વરણી વેશ. પ્રગટ્યા. ૫૩
પંચતિર્થિ પુરી કરી, લોજ ગયા વૃષલાલ; પ્રગટ્યા. અગણિત જીવ ઉદ્ધારવા, ત્યાં રહ્યા દિન દયાળ. પ્રગટ્યા. ૫૪
એવી રીતે શ્રીહરિ, સાત વરસ એક માસ; પ્રગટ્યા. વન પરવતમાં વિચર્યા, વિશ્વ સુખદ અવિનાશ. પ્રગટ્યા. ૫૫
જ્યાં જ્યાં જીવન વિચર્યા, ત્યાં ત્યાં ધર્મ અનુપ; પ્રગટ્યા. સ્થાપન કીધો નાથજી, પાપ ટાળી દુઃખરૂપ. પ્રગટ્યા. ૫૬
અતિ વૈરાગ્યના વેગથી, કોઈ ટકે નહી પાસ; પ્રગટ્યા. એકા એકી વિચર્યા, મહાવનમાં અવિનાશ. પ્રગટ્યા. ૫૭
દાસ ઉપર દયા કરી, દેવા દરસન દાન; પ્રગટ્યા. અગણિત જીવને તારવા, લોજ આવ્યા ભગવાન. પ્રગટ્યા. ૫૮
રામાનંદ સ્વામી મળ્યા, ઉદ્ધવનો અવતાર; પ્રગટ્યા. લીધી દીક્ષા તે થકી, મનોહર ધર્મકુમાર. પ્રગટ્યા. ૫૯
શુભ ગુણ સાગર જોઈને, શિષ્ય અતિ સુખધામ; પ્રગટ્યા. અવતારી અવતારના, જાણ્યા પુરણકામ. પ્રગટ્યા. ૬૦
ધર્મની ધુર તે સોંપીને, સ્વામી રામાનંદ; પ્રગટ્યા. બદ્રિકાશ્રમમાં ગયા, શ્રાપ રહિત સ્વછંદ. પ્રગટ્યા. ૬૧
તે પછી સામથ્ર્ય વાવર્યું, શ્રીહરિ સહજાનંદ; પ્રગટ્યા. ધ્યાન ધારણા રીતને, વિદીત કરી વૃષનંદ, પ્રગટ્યા. ૬૨
નજરે જોતાં જીવને, તરત સમાધિ થાય; પ્રગટ્યા. ગોલોકાદિક ધામમાં, સેજે નરત્રીયા જાય. પ્રગટ્યા. ૬૩
સામથ્ર્ય દેખી શ્યામનું, સૌને કહેતે વાત; પ્રગટ્યા. અવતારી અવતારના, સહજાનંદ સાક્ષાત. પ્રગટ્યા. ૬૪
એમ ચમત્કાર જીવને, દેખાડે વૃષનંદ; પ્રગટ્યા. આશ્રિત કીધાં અતિ ઘણાં, નરનારીનાં વૃંદ. પ્રગટ્યા. ૬૫
જેના ઈષ્ટ જે હતા, તે તે રૂપે તૈયાર; પ્રગટ્યા. દરશન આપે દાસને, પોતે પ્રાણ આધાર. પ્રગટ્યા. ૬૬
સૌના ઈષ્ટને શ્રીહરિ, લીન કરે નિજ માંય; પ્રગટ્યા. નિજમત મુકી નર ત્રીયા, સ્વામી આશ્રિત થાય. પ્રગટ્યા. ૬૭
આગે અવતારે કરી, જેવી લીલા તે કીધ; પ્રગટ્યા. જેવા તેવા જીવને, તરત સમાધિ થાય; પ્રગટ્યા. ૬૮
અક્ષરધામમાં આ સમે, આ દેહે જન જાય. પ્રગટ્યા. ન દેખી ન સાંભળી, તેવી રીતને આજ; પ્રગટ્યા. ૬૯
પ્રવરતાવી પ્રીતથી, પુરુષોત્તમ મહારાજ. પ્રગટ્યા. જે કામે આ જગતમાં, જીત્યા ભવ સુરવૃંદ; પ્રગટ્યા. ૭૦
તેમજ ક્રોધને મારીયો, લોભની લીધી લાજ; પ્રગટ્યા. સ્નેહ માન વળી સ્વાદને, માર્યો શ્રીમહારાજ. પ્રગટ્યા. ૭૧
પાંચે વૈરી પ્રસિદ્ધ છે, જીત્યા કોઈથી ન જાય; પ્રગટ્યા. મારી તેને વશ કર્યા, સહજાનંદ સુખદાય. પ્રગટ્યા. ૭૨
શિષ્ય સહિત સૌ દેશમાં, ફરતા હરતા ફંદ; પ્રગટ્યા. ભુજ નગરમાં ભાવથી, આવ્યા સહજાનંદ. પ્રગટ્યા. ૭૩
તે ભક્તની પાસલે, આજ કરાવી પ્રસિદ્ધ. પ્રગટ્યા. તેને ભક્તની પાસલે, જીતાવ્યો જગવંદ. પ્રગટ્યા. ૭૪
વિશ્વકર્માની જાતના, સુંદર હીરજી નામ; પ્રગટ્યા. વાસ કરી પોતે વસ્યા, ઘેર તેને ઘનશ્યામ. પ્રગટ્યા. ૭૫
ભાવિક ભક્ત શિરોમણી, મલ્લ તે ગંગારામ; પ્રગટ્યા. એ આદિક ભક્તને, સુખ આપ્યું સુખધામ, પ્રગટ્યા. ૭૬
ભુજ નગરના ભક્તને, આપ્યા પરચા આજ; પ્રગટ્યા. કેતાં ન કહેવાય કોઈથી, શેષજી પામે લાજ. પ્રગટ્યા. ૭૭
ત્યાં રહીને સૌ દેશમાં, દેવા દર્શન જાય; પ્રગટ્યા. ભુજ નગરને ભાળીને, પોતે રાજી થયા. પ્રગટ્યા. ૭૮
એવી રીતે મહાપ્રભુ, સાત વરસ સુખ કંદ; પ્રગટ્યા. ભય ભંજન ભુજ ધામમાં, વાસ કર્યો વૃષનંદ. પ્રગટ્યા. ૭૯
મહારૂદ્ર મોટા કર્યા, જેતલપુરમાં નાથ; પ્રગટ્યા. અગણીત દ્વિજ જમાડીયા, તૃપ્ત કર્યા સુરસાથ. પ્રગટ્યા. ८०
મંદિર મોટા મહાપ્રભુ, કીધાં ઠામો ઠામ; પ્રગટ્યા. પધરાવ્યા દેવ પ્રીતથી, નરનારાયણ નામ. પ્રગટ્યા. ૮૧
દેશોદેશમાં વિચર્યા, સંત મંડળ લઈ સંગ; પ્રગટ્યા. બોધ દીધો બહુ જનને, ઉરમાં કરી ઉમંગ. પ્રગટ્યા. ૮૨
એકાંતિક ધર્મ સ્થાપિઓ, કાપ્યાં કળીનાં મૂળ; પ્રગટ્યા. ગૌ બ્રાહ્મણ સંત કારણે, દેહ ધર્યો વૃષકુળ. પ્રગટ્યા. ૮૩
મતપંથી સૌ જીતીયા, પોતાને પ્રતાપ; પ્રગટ્યા. ધર્મનું કુળ તેડાવ્યું, હરવા જનના પાપ. પ્રગટ્યા. ૮૪
જયેષ્ઠ અનુજ બેઉ ભ્રાતના, પુત્ર તે પરમ પુનિત; પ્રગટ્યા. નિજસુત કીધા નાથજી, કરવા કામ અમીત. પ્રગટ્યા. ૮૫
રામપ્રતાપના પુત્ર છે, અવધપ્રસાદ ઉદાર; પ્રગટ્યા. છોટા ઈચ્છારામના, રધુવીર ગુણભંડાર. પ્રગટ્યા. ૮૬
નિજ ગાદી પર નાથજી, પધરાવ્યા કરી પ્રીત; પ્રગટ્યા. દીધા વેચી સંતને, સત્સંગ સ્નેહ સહિત. પ્રગટ્યા. ૮૭
અપાર સામથ્ર્ય વાવર્યું, અવતારી આ વાર; પ્રગટ્યા. મોક્ષને માર્ગ મહાપ્રભુ, ચલાવ્યાં નર ને નાર. પ્રગટ્યા. ૮૮
ગોવિંદ ગઢપુરમાં રહી, કીધા ઉત્સવ સાર; પ્રગટ્યા. એભલ નૃપના વંશને, આપ્યું સુખ અપાર. પ્રગટ્યા. ૮૯
સમૈયા ત્યાં બહુ કર્યા, સુંદર સહજાનંદ; પ્રગટ્યા. સુખ ત્યાં આપ્યું સંતને, કોમળ કરુણાકંદ. પ્રગટ્યા. ૯૦
શિક્ષાપત્રી શ્રીહરિ, કીધી શિક્ષા કાજ; પ્રગટ્યા. ભય હારી ભરતખંડમાં, બાંધી મોક્ષની પાજ. પ્રગટ્યા. ૯૧
આ સમે સામર્થ્ય વાવર્યું, માપ ન થાય લગાર; પ્રગટ્યા. મહાકળી કાળમાં તારીયાં, અગણિત નર ને નાર. પ્રગટ્યા. ૯૨
તાર તે અક્ષરધામનો, બાંધ્યો ધર્મકુમાર; પ્રગટ્યા. ત્યાંની વાતો આંહી કરે, ઘેર બેઠા નર ને નાર. પ્રગટ્યા. ૯૩
પુરુષોત્તમપણું આ સમે, પોતે વાવર્યું પ્રીત; પ્રગટ્યા. નોતી દીઠી નોતી સાંભળી, વાલે એવી ચલાવી રીત. પ્રગટ્યા. ૯૪
એવી રીતે શ્રીહરિ, કીધાં અગણિત કામ; પ્રગટ્યા. નિજ ઈચ્છિત નિજ ધામમાં, આપ ગયા ઘનશ્યામ. પ્રગટ્યા. ૯૫
ઓગણપચાસ વર્ષને, માસ ઉભય દિન એક; પ્રગટ્યા. દેહ રાખ્યો દયા કરી, ધર્મ તનય ધરી ટેક. પ્રગટ્યા. ૯૬
શીખે ગરબો સાંભળે, ગુણીજન હેતે ગાય; પ્રગટ્યા. પાપ બળે તે પ્રાણીનાં, સર્વે સિદ્ધિ થાય. પ્રગટ્યા. ૯૭
પાઠ કરે જન પ્રીતથી, દિવસમાં એક વાર; પ્રગટ્યા. પરિશ્રમ વિના પામશે, ભવસાગરનો પાર. પ્રગટ્યા. ૯૮
ઓગણીસે પચ્ચીસના, સુંદર અષાઢ માસ; પ્રગટ્યા. સપ્તમી શુક્ર શુદમાં, ગરબો કીધો હુલ્લાસ. પ્રગટ્યા. ૯૯
ભુજ નગરમાં ભાવથી, સતત કરી તે વાસ; પ્રગટ્યા. નરનારાયણ દેવની, પ્રીતે રહીને પાસ. પ્રગટ્યા. ૧૦૦
કીઘો ગરબો હેતથી, જનને ગાવા કાજ; પ્રગટ્યા. દાસ જાણી રાજી થજો, મુજપર શ્રી મહારાજ. પ્રગટ્યા. ૧૦૧
શ્રોતાજન જે સાંભળો, નરનારીના વૃંદ; પ્રગટ્યા. થાવો પ્રસન્ન મુજ ઉપરે, કવિ કહે અવિનાશાનંદ. પ્રગટ્યા. ૧૦૨
-: ગરબો સમાપ્તઃ :-